“પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાના પાણી તથા મૂંગા પશુઓને ઘાસચારાની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર નું સઘન આયોજન “

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ મૂંગા અબોલ પશુઓને પણ ઘાસચારો તેમજ પાણી ઉપલબ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે.
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નાગરિકોની સુખાકારી માટે લીધેલા મહત્વના નિર્ણયોની મીડિયાને વિગતો આપતા મંત્રી વાઘાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે ૨૦૭૫ MLD નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-૨ જળાશયમાં પાણીનું લેવલ ઘટતા, તેમાંથી પાણીનો ઉપાડ ૧૮૦ MLDથી ઘટીને ૧૦ થી ૧૫ MLD થયેલ છે જેના માટે રાજ્ય સરકારે બ્રાહ્મણી-૨ જળાશયને નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય કર્યો છે. આ માટે તા. ૨૫ એપ્રિલ-૨૦૨૨થી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના થકી બ્રાહ્મણી-૨ જળાશય ભરવામાં આવશે. એ જ રીતે કચ્છ જીલ્લા માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત એવા ટપ્પર જળાશયમાં પણ જરૂરિયાત જણાયે આગામી સમયમાં કચ્છ શાખા નહેર દ્વારા નર્મદાના પાણીથી ભરવાનું આયોજન છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલ દાંતીવાડા જળાશયને પણ નર્મદા મુખ્ય નહેર ઉપરના ચાંગા પામ્પિંગ સ્ટેશનથી ભરવા માટેનું આયોજન છે. સીપુ જળાશય આધારિત ગામોને દાંતીવાડા જળાશય આધારિત યોજના સાથે જોડી દેવામાં આવેલ છે. આમ, દાંતીવાડા જળાશય ભરાતા સીપુ જળાશય આધારિત ગામોમાં પૂરતું પાણી મળી રહેશે.
મંત્રી એ ઉમેર્યું કે રાજ્યમાં પીવાના પાણીની ફરિયાદોના નિકાલ માટે ૨૪×૭ ટેલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૧૬ કાર્યરત છે. પીવાના પાણી સંદર્ભે જે પણ ફરિયાદો આવે તેનું અત્યંત સંવેદના સાથે નિરાકરણ કરવા મુખ્યમંત્રી એ સૂચનાઓ આપી છે. ગ્રામ્યકક્ષાએ પાણી સમિતિ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરીને કામગીરી કરાશે.
મંત્રી એ ઉમેર્યું કે મુંગા પશુઓને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે એ માટે મહેસૂલ વિભાગ દ્વારા પૂરતું આયોજન કરાયું છે કચ્છ જિલ્લાના લખપત અને ભુજ તાલુકામાં ઘાસચારાની માંગણી આવી છે એ સંદર્ભે પુરતી વ્યવસ્થાઓ કરી છે તેમજ અન્ય જગ્યાએ જેમ જેમ માંગણી આવશે તેમ-તેમ ઘાસચારો પૂરો પાડવામાં આવશે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં જળસંગ્રહ થાય એ માટે પ્રતિ વર્ષ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો અને જળાશયો ઊંડા કરવા સહિત કેનાલ સફાઈના કામો હાથ ધરાઇ રહ્યા છે. આ વર્ષે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ૧૮,૭૦૦ જેટલા કામો હાથ ધરાયા છે તે તમામ કામો આગામી તા.૩૧ મે સુધી પૂર્ણ કરવા સૂચના આપી દેવાઇ છે.
પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણી ઉમેર્યું કે ખેડૂતોના હિતને વરેલી અમારી રાજ્ય સરકારે ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કિલો દીઠ રૂ. ૨/-ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધતા બજારમાં તેની આવક સમયે ભાવ શરૂઆતથી જ ગત વર્ષ કરતાં નીચા રહ્યા છે તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. રાજ્યમાં તા. ૧ એપ્રિલ-૨૦૨૨ થી તા. ૩૦ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં અંદાજે ૪૫ લાખ કટ્ટા (૫૦ કિલોના) વેચાણ માટે APMC ખાતે આવવાની સંભાવના છે ત્યારે ૨૨૫૦ લાખ કિલોના રૂપિયા બે લેખે ૪૫ કરોડ જેટલી સહાય ચૂકવાશે.
તેમણે ઉમેર્યું કે રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રીએ રૂ.૫૦૦ કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધારાનું રૂ. ૧૩૫ કરોડનું રિવોલ્વીંગ ફંડ ઉમેરવાનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સમયસર ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને રૂ. ૩ લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રમશઃ ૪ ટકા અને ૩ ટકા વ્યાજ સહાય અપાય છે.
પ્રવકતા મંત્રી એ ઉમેર્યું કે રાજ્ય સરકારને તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે બે એવોર્ડ એનાયત થયા છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ છે. પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એકસેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન-૨૦૨૧ ઇનોવેશન કેટેગરીમાં દેશના સૌપ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રને ટીમ ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન ઓફ સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઈન ગુજરાત થ્રુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાતને એવોર્ડ મળ્યો છે આ ઉપરાંત વડાપ્રધાનશ્રી દ્વારા પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એકસેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન-૨૦૨૦ એવોર્ડ મળ્યો છે જેમાં બેસ્ટ પર્ફોમન્સ ટીમ ફોર પ્રમોટિંગ પીપલ્સ મૂવમેન્ટ જનભાગીદારી થ્રુ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ઓફ મહેસાણાની પસંદગી થઈ છે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અંદાજપત્ર રજૂ કરાયું છે. જે અંતર્ગત ૯૮ ટકા જેટલી ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે જ્યારે, ૯૦ ટકા જેટલી નવી બાબતો મંજૂર કરી છે તે અંગે પણ સત્વરે નીતિવિષયક નિર્ણયો લઈને આ કામો શરૂ કરાશે. એટલું જ નહીં. માળખાગત સુવિધાઓ સહિત માર્ગોના કામો પણ ચોમાસુ બેસે એ પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ માટે જિલ્લા પ્રભારી મંત્રીઓને પણ સતત મોનિટરિંગ કરીને સ્થાનિક પ્રશ્નોનો ઝડપથી હલ કરી વિકાસ કામોમાં ઝડપ લાવવા પણ મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે તેમ તેમણે ઉમેર્યું છે.