નેશનલ એજ્યુકેશન પોલિસી એક વિચાર
ન્યુઝડે નેટવર્ક.
વિચાર શું પરિવર્તન લાવી શકે?
કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૦માં NEP – National Education policy પ્રસ્તુત કરવામાં આવી ત્યારે ડાબેરી વિચારધારાના લોકોએ તેનો ખૂબ વિરોધ કરેલો. અરે ડાબેરી વિચારધારા જ નહીં પરંતુ વિપક્ષે પણ મોટો વિરોધ નોંધાવેલો.
ત્યારે એ સમજાતું ન હતું કે આ વિરોધ છે શેનો? વળી NEP માં ગીતા ભણાવવામાં આવશે આ મુદ્દો પ્રચલનમાં હતો. (જોકે ગીતામાં જીવન જીવવાના સૂત્રો છે, એ ભણીને બીજા ધર્મના લોકો હિન્દુ ધર્મ સ્વીકારી લેતા એવું તો હતું નહીં.) વિરોધોની વચ્ચે પણ NEP લાગુ થઈ.
૨૦૨૩-૨૪ થી કોલેજના પ્રથમ વર્ષમાં NEP ના સિલેબસ મૂકવાની શરૂઆત થઈ. આ વર્ષે એટલેકે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં કોલેજના ત્રીજા વર્ષમાં NEP નો સિલેબસ આવી ગયો. Bba ના અંતિમ વર્ષના પાંચમાં સેમેસ્ટરનો સિલેબસ પણ બદલાયો, આજે આ લેખ લખી રહ્યો છું તેનું કારણ પણ એ જ છે.
BBA સેમેસ્ટર પાંચમાં માનવ સંસાધન સંચાલન અંતર્ગત IKS- Indian Knowledge System (ભારતીય જ્ઞાન પરંપરા) નામનો વિષય મૂકવામાં આવ્યો છે. નસીબથી વળી એ ભણાવવાની જવાબદારી મારા ભાગે છે. જેમાં વિવિધ પ્રકરણ આ પ્રમાણે છે.
પ્રકરણ.૧
– ધ્યાન, યોગનું પોતાના ધંધાકીય વાતાવરણમાં અમલીકરણ.
– ગુણ પરીચય – સત્વ, રજસ, તમસ
– પુરુષાર્થ પરીચય – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ધંધાકીય દૃષ્ટિકોણ સાથે.
પ્રકરણ.૨
– સંવિધાનનું ધંધાકીય સ્વરૂપ – ન્યાય, સમાનતા, સ્વતંત્રતાને પ્રાધાન્ય
– કૌટિલ્ય – ચાણક્યનું પસંદગી અંગેનું માર્ગદર્શન
– બૌધ્ધ મંતવ્યથી ધંધાકીય પ્રગતિનું સ્વરૂપ
પ્રકરણ.૩
– ધર્મ અને મૂલ્ય આધારિત નેતૃત્વ
– મહાત્મા ગાંધી – નેતૃત્વમાં ધર્મ, સમાનતા અને વિશ્વાસનું પ્રતીક
– ટાટા કંપનીનું માનવ સંસાધન પ્રત્યે યોગદાન ( અહીંયા એ સમજવું કે અત્યાર સુધી અંગ્રેજો અને અને અંગ્રેજીને મહાન બતાવનાર અભ્યાસક્રમમાં ઉદાહરણ તરીકે ભારતીય કંપની હોવી તે પણ મોટી વાત છે)
પ્રકરણ.૪
– પ્રાચીન ભારતીય વેદોમાં નેતૃત્વનું મહત્વ – અર્થશાસ્ત્ર
– આદર્શ નેતાના ગુણો – મહાત્મા ગાંધી અને પ્રમુખ સ્વામી મહારાજ ( સત્ય, અહિંસા અને સ્વ – મૂલ્યાંકન)
– શિવાજી મહારાજનું ધ્યેય પ્રત્યે વલણ, સ્વરાજ પ્રાપ્તિની વાત.( ન્યાય, હિન્દુ મૂલ્યો અને રાજધર્મ)
———————————————————————
મેકોલેએ તેના પત્રમાં લખેલું કે ભારતને તોડવો હશે તો તેની શિક્ષા પધ્ધતિ પર પ્રહાર કરવા પડશે. અને તેઓએ કર્યા, ભારતના ગુરુકુળોને બંધ કરી અંગ્રેજી ભણતર અને પધ્ધતિ થોપવામાં આવી. આઝાદી પછી પણ આ ‘વિષ’ને આપણે દૂર કરી શક્યા નહોતા.
ભારતનું બાળક ભારત અને તેની સંસ્કૃતિને તુચ્છ અને નિમ્ન ગણે તેવું સુનિયોજિત ભણતર પ્રસ્થાપિત કરવામાં આવ્યું. આવું ભણીને મોટો અધિકારી બનેલો વ્યક્તિ પણ વિદેશના જ ગુણગાન ગાતો હોય તો નવાઈ જેવી વાત ન કહેવાય.
૧૯૪૭ માં ભારત ભૌગોલિક રીતે આઝાદ થયો પરંતુ વૈચારિક આઝાદીથી હજુ પણ પીડાઈ રહ્યો છે. તેમાં આ NEP- ૨૦૨૦ એ ખૂબ મહત્વનું પગલું છે ફરીથી ભારતીય જ્ઞાન પરંપરા પ્રસ્થાપિત કરવાનું અને ભારતના યુવાનોને ફરીથી ભારતની મહાનતા અને વૈભવનો પરીચય કરાવવાનું.
આ બધુ શક્ય બને છે ત્યારે, જ્યારે સત્તા પર આરૂઢ વ્યક્તિઓના વિચાર રાષ્ટ્ર પ્રેરિત હોય, ભારત પ્રેરિત હોય.
આ શૈક્ષણિક અભ્યાસક્રમના પાયાના બદલાવો જ જવાબ છે કે એક વિચાર શું પરિવર્તન લાવી શકે…
હેત રામી ની કલમ થી.. (પેજ રાષ્ટ્ર વિચાર )

