“બનાવટી ખેડૂતો સામે મહેસુલ વિભાગની લાલ આંખ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ખેડા જિલ્લાની માતર મામલતદાર કચેરી ખાતે પહોંચેલા મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે, જે ઇસમો બનાવટી ખેડૂતો બની ગયા છે. તેમના ઉપર રાજ્ય સરકાર કાયદા અન્વયે કડકમાં કડક પગલાં લેશે તથા ગુજરાત સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર છે. જે ખેડૂત બનાવટી ખેડૂત બની રાજ્ય સરકારની યોજનાઓના લાભ લેશે તેને રાજ્ય સરકાર આકરી સજા પાઠવશે. બનાવટી ખેડૂત જે હશે તેની જમીન સરકાર હસ્તક લેવામા આવશે.
બનાવટી ખેડૂતની માહિતી ગુજરાત સરકારને હર હંમેશ મળતી હોય છે. બનાવટી ખેડૂતની મળતી માહિતી મુજબ ૨૦૧૨-૨૦૧૩મા કેટલાક કેસો જોવામાં આવ્યા છે. આ કામગીરીમાં માતરના અધિકારીઓ પર પણ આક્ષેપ આવ્યો છે તેમજ અધિકારીઓને પણ છોડવામાં આવશે નહી તેમ મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું. બનાવટી ડોક્યુમેન્ટ જે પણ વ્યક્તિએ રજુ કર્યા છે એમની સામે કોર્ટની કલમ ૪૬૫,૪૬૭,૪૬૮ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગ પણ આ કામગીરીમા મહેસુલ વિભાગ સાથે સંકલનમાં છે.
મહેસૂલમંત્રીએ વધુમાં કહ્યું છે કે, હાલની ચકાસણી જોતા ૧૭૩૦ જેટલા કેસો ચકાસવામાં આવ્યા છે. જેમાં ૬૨૮ કેસો ભારે શંકાસ્પદ જણાયા છે. એની પ્રાથમિક ચકાસણી માટે ૫૦૦ લોકોને પુરાવા રજુ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, એક જ સમાજ ઇસમો વધુ પ્રમાણમાં ખેડૂતોની જમીન લઇ રહ્યો છે. તે માતર અને રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય છે. જો કોઈ ગેરકાનૂની કામમાં કોઈ અધિકારી કર્મચારી સંડોવાયેલા હશેતેને પણ સરકાર છોડશે નહિ.