ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર
અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં વર્ષ 2017-18 દરમિયાન વાતાવરણના પરિબળોથી પાકને થયેલ નુકસાન માટે 10 કરોડથી વધુની ૨કમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતના બે અધિકારીઓ દ્વારા 11 લાખની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ થઇ છે. આ મામલે અમદાવાદના જીલ્લા ખેતીવાડી અધિકારીએ માંડલ તાલુકા પંચાયતમાં એ સમયે ફરજ બજાવતા રાજેશ ૨ામી અને મનુ તેજોત નામના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, આ કેસમાં સંડોવણી બાબતે મહમંદ નદીમ નામના એક શખ્સ સામે પણ ફરિયાદ થઇ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અતિવૃષ્ટી અને અનાવૃષ્ટી સહિતના કુદરતી કહેર સામે ખેડૂતને પાક નુકસાન સહાય યોજના દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવે છે, જેમાં એક ખેડૂત ખાતેદારને મહત્તમ રૂ.13600ની મર્યાદામાં આર્થિક સહાય ચુકવવામાં આવે છે, આ સહાય સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જોકે, આ મામલામાં આ પ્રકારના નિયમોને નેવે મુકીને સરકારી અધિકારીઓએ ઉચાપત કરી હોવાની ફરીયાદ થઇ છે.