ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
રશિયા-યુક્રેન યુધ્ધની સૌથી વધુ અસર ઘઉંના બજારભાવ ઉપર થઇ છે, યુધ્ધ શરૂ થયુ એ પહેલા ઘઉંમાં પ્રતિ મણ સરેરાશ રૂ,350ની સપાટી આસપાસ વેપાર થતો હતો. યુધ્ધ બાદ ઘઉંમાં રૂ,400થી રૂ,500ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે. આ સિઝન માટે કેન્દ્ર સરકારે ઘઉંના ટેકાના ભાવ રૂ.403 પ્રતિ મણ જાહેર કરેલા છે, ઘઉંમાં હાલ આ ટેકાની સપાટીથી ઉંચા ભાવે વેપાર થઇ રહ્યો છે, આથી ટેકાના ભાવે ઘઉં વેચનારા ખેડૂતોની સંખ્યા ઘટી છે અને દેશમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી છેલ્લા 12 વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી છે,
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશમાં તા.24 એપ્રિલ સુધીમાં કુલ 136 લાખ ટન ઘઉંની ખરીદી થઇ છે, જેમાં મુખ્યત્વે પંજાબ અને હરિયાણા એ બે રાજ્યોનો જ સમાવેશ થાય છે. પંજાબમાંથી 14 લાખ ટન અને હરિયાણામાંથી 3 લાખ ટનની ખરીદી થઇ છે. બાકીના રાજ્યોમાં તો નહિવત કહી શકાય એટલી જ ખરીદી થઇ છે. ગત વર્ષે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઇ દ્વારા દેશમાંથી 433 લાખ ટન ઘઉંની ખરીદી થઇ હતી. જોકે, આ વખતે આ આંકડો 150 લાખ ટન જેટલો જ રહે એવી સંભાવના છે,
ગત નાણાકિય વર્ષ એટલે કે વર્ષ 2021-22 દરમિયાન દેશમાંથી અંદાજે 10 લાખ ટન ઘઉંની નિકાસ થઇ છે, જ્યારે ચાલુ નાણાકિય વર્ષ 2012-13 દરમિયાન દેશમાંથી 100 લાખ ટન ઘઉંની નિકાસ થવાની સંભાવના છે. આ એપ્રિલ મહિનાથી લઈને જુલાઇ મહિના દરમિયાન જ 35 લાખ ટન ઘઉંની નિકાસ થવાનો આશાવાદ દેશના ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ વ્યકત કર્યો છે. હાલની સ્થિતિએ નિકાસકારો મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાંથી ઘઉંની મોટા પાયે ખરીદી કરી રહ્યા છે. ગુજરાતમાં પોર્ટ સહિત નિકાસલક્ષી સુવિધાઓ સારી હોવાથી ઘઉંના વૈશ્વિક વેપારનો લાભ મળી રહ્યો છે.