કેન્દ્ર સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા કેવડિયાના ટેન્ટ સિટી-૧ ખાતે આગામી તા. ૧૯ એપ્રિલ-૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધી પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગની એક દિવસીય સમર મીટનું આયોજન કરવામાં આવ્યું છે એમ રાજ્યના પશુપાલન નિયામક દ્વારા જણાવાયું છે.
આ સમર મીટનો ઉદ્દેશ્ય રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ ક્ષેત્ર તરફની અપેક્ષાઓ તરફ ધ્યાન દોરવાનો, નિમ્ન સ્તરે અસરકારક પ્રોગ્રામ અમલીકરણ માટે એક કન્વર્જન્સ ફ્રેમવર્ક બનાવવાનો, યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવાનો અને પરિણામો વિશે ચર્ચા કરવાનો છે. ઉપરાંત નવીનતાઓ અને સ્ટાર્ટ-અપ્સ પર જરૂર જણાય ત્યાં સુધારા કરી આગામી વ્યૂહ રચનાની માહિતી આપવાનો છે.
આ કાર્યક્રમમાં પશુધન અને મત્સ્યપાલન ક્ષેત્રની નીતિઓ અને યોજનાઓના સુદ્રઢ અમલીકરણ માટે તેમજ આઉટ ઓફ બોક્સ સોલ્યુશન્સ, નવીનતાઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકતા વિકાસના વિવિધ પાસાઓ પર પ્રેઝન્ટેશન, ચર્ચા અને આદાનપ્રદાન કરવામાં આવશે. ઉપરાંત વિષય નિષ્ણાતો દ્વારા લાઈવ સ્ટોક મેનેજમેન્ટ, મરઘાં ઉછેર અને મત્સ્યોદ્યોગના બહુઆયામી વિકાસ સંબધિત વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
આ રાષ્ટ્રીય મીટમાં રાજ્યના પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રીઓ સહિત તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવઓ અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.