જમીન રિ-સરવેમાં બાજુના ખાતેદારની મંજુરીની હવે જરૂર નહીં

ખેડૂત ખાતેદારોએ પોતાની જમીનનો રિ-સરવે કરાવવો હોય તો હવે બાજુના ખાતેદારની મંજુરીની જરૂર પડશે નહીં એવુ મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે. કોંગ્રેસ ધારાસભ્યો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, આ બાબતે મળેલી અનેક રજુઆતો બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે, આજુબાજુના ખાતેદારો સહમતિ ન આપે અથવા તો હાજર ન રહે તો જમીનની રિ-સરવેની કામગીરીમાં વિલંબ થતો હતો. આથી મહેસુલ વિભાગે નિયમોને થોડા સરળ બનાવ્યા છે, જોકે, બાજુના ખાતેદાર ઇચ્છે તો રિ-સરવે માટે વાંધો રજુ કરી શકે છે, અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા પાંચેક વર્ષથી ગુજરાતના ખેડૂતો જમીન રિ-સરવેની કામગીરીના કારણે હેરાન થઇ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા કરોડોના ખર્ચે ખેતીની જમીનનો રિ-સરવે કરીને નક્શા આધારિત 1-12 ઉતારા ખેડૂતોને આપવામાં આવ્યા. જોકે, સરકારની જમીન માપણીમાં અનેક ભૂલો રહી ગઇ, આથી ગામે ગામથી મોટી સંખ્યામાં વાંધા અરજી જે-તે જિલ્લાની લેન્ડ કચેરીમાં આવી. હવે આ વાંધા અરજીઓનો નિકાલ કરવો એ સરકાર માટે પડકારજનક કામ બની ગયુ છે,

આ બાદ સરકાર દ્વારા સતત રિ-સરવે માટે અરજી કરવાની મુદતમાં વધારો થયો છે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે થયેલ જમીન રિ-સરવેની કામગીરીમાં અનેક પ્રકારની ક્ષતિઓ સામે આવી છે. રાજ્યભરમાં થયેલ રિસરવે બાદ એમાં સુધારા કરવા લાખોની સંખ્યામાં સુધારા અરજીઓ આવી હોવાની વિગત વિધાનસભામાં રજુ થઇ હતી. જેમાં બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા અને અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ સુધારા અરજીઓ આવેલી છે, જમીન રિ સરવેનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યુ હતુ. પ્રથમ વખત નક્શા સાથેના સર્વે નંબર જાહેર થયા બાદ સતત સુધારા અરજીઓ સરકારને મળવા લાગી હતી. એક સરવે નંબરમાં સુધારો થાય ત્યારે એણે લગત આસપાસના સરવે નંબરના માપમાં પણ ફેરફાર થાય, આથી ફરીથી એ ખેડૂતો સુધારા માટે અરજી કરે, આથી સુધારા અરજીની સંખ્યા સતત વધતી જોવા મળી.

આ તમામ પ્રકારનો રિસરવે સરકાર ગેરલાયક ઠેરવીને જુના માપ પ્રમાણે સર્વે નંબર યથાવત રાખે એવી માંગ પણ ઉઠવા પામી છે, ખેતીની જમીનના રિ-સરવે કરાવવા માટે ગ્રામ પંચાયતના તલાટીને અરજી થઇ શકે એવી સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, અત્યાર સુધી આ કામ માટે ખેડૂતોને પોતાના જિલ્લાની લેન્ડ કચેરી સુધી લાંબા થવુ પડતુ હતુ. ઘણાં જિલ્લાઓમાં હજુ મોટા પ્રમાણમાં વાંધા અરજીનો નિકાલ કરવાનો બાકી છે. તંત્ર એક અરજીનો નિકાલ કરે ત્યાં બીજી વાંધા અરજીઓ આવી જાય છે,