બ્રિટિશ વિચારધારાથી ચાલતી સંસ્થાઓ અને ભારતીય મૂલ્યોથી વિમુખ શિક્ષણમંત્રીઓએ નીતિઓને ખોખલી બનાવી – મિલિન્દ પરાંડે”

“બ્રિટિશ વિચારધારાથી ચાલતી સંસ્થાઓ અને ભારતીય મૂલ્યોથી વિમુખ શિક્ષણમંત્રીઓએ નીતિઓને ખોખલી બનાવી – મિલિન્દ પરાંડે”

ન્યુઝડે નેટવર્ક અમદાવાદ, વર્લ્ડ એસોસિયેશન ઓફ હિંદુ એકેડમીશીયન (WAHA) દ્વારા ગુજરાત યુનિવર્સીટીમાં ‘સર્વવ્યાપી હિંદુત્વ: એસ્ટાબ્લીશિંગ ઘી હિંદુ નરેટીવ’ વિષય પર એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમનું બીજભાષણ કરતા વિશ્વ હિંદુ પરિષદના સંગઠન મંત્રી મિલિન્દજી પરાંડેજીએ જણાવ્યું કે શિક્ષણના મૂળમાં ભારતીય વિચાર અતિ આવશ્યક છે. તેઓએ જણાવ્યું કે આઝાદી બાદ બ્રિટિશ વિચારધારાથી ચાલતા શૈક્ષણિક સંસ્થાનો અને દેશના મૂળ વિચારથી દૂર હોય તેવા શિક્ષણમંત્રીઓ પ્રાપ્ત થવાને લીધે દેશની શિક્ષા નિતી સ્વ કેન્દ્રિત હોવાના સ્થાને વિદેશી ફિલોસોફીને આધારે જ રહી.

ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરજા ગુપ્તાએ જણાવ્યું કે આપણી ફિલોસોફીનું કેન્દ્ર ભારતમાં જ હોવું જોઇએ, વિદેશમાં ન જ હોઈ શકે.

ઓર્ગેનાઈઝરના તંત્રી પ્રફુલ કેતકરજીએ ફાર્મા, એફએમસીજી, એગ્રી જેવા ક્ષેત્રોના ઉદાહરણ આપી વિદેશી કંપનીઓ દ્વારા ખોટા વિમર્શ ઉભા કરી ભારતીયોને ગેરમાર્ગે દોરી પોતાનો ભારતમાં વિકાસ કરવાની નિતી પર ઉદાહરણો આપી માર્મિક પ્રહાર કર્યા હતા.

દ્રિતીય સત્રમાં સુશ્રી ઇન્દુમતીબેન કાટધરે તથા સુશ્રી અરુણાબેન સારસ્વત દ્વારા ભારતીય જીવન પદ્ધતિમાં નારી શક્તિના યોગદાન અને ભવિષ્યના પડકારોનો સામનો કરવાની વાત રજૂ થઈ. મુસ્લિમ શાસન અને બ્રિટિશ રાજમાં પણ ભારતીય સાંસ્કૃતિને જીવંત રાખવાનો શ્રેય સુશ્રી સરસ્વતે ઘરમાં માતા દ્વારા આપવામાં આવતા શિક્ષણને આપ્યો.

તૃતીય સત્રમાં અનુસૂચિત જાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જાણીતા લેખક કિશોરભાઈ મકવાણા દ્વારા સામાજિક સમરસતાના માધ્યમથી જ સાંપ્રત સમયમાં મજબૂત ભારતનું નિર્માણ શક્ય છે તે વિષય પર મનનીય પ્રવચન કરવામાં આવ્યું. ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન દરમ્યાનની તેમની વાતો, લખાણો અને પ્રસંગોને યાદ કરી તેઓએ સમરસ ભારત બનાવવાનો ડો. આંબેડકરજીએ ચીંધેલો રસ્તો બતાવ્યો. રામાનુજાચાર્ય, રામાનંદજી, નરસિંહ મહેતા, ગંગાસતી, વિવેકાનંદજી, દયાનંદજી જેવા સંતોના સામાજિક સમરસતા માટેના કાર્યના ઉદાહરણ આપી તેઓએ હિંદુ સમાજમાં સમરસતા માટે થયેલ પ્રયત્નોને બિરદાવ્યા.

આ કાર્યક્રમમાં ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ભરતભાઈ રામાનુજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઉત્પલ જોશી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતિ અમી ઉપાધ્યાય, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ટી એસ જોશી, જીટીયુના કુલપતિ ડો. રાજુલ ગજ્જર, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ડો. જયંતીભાઈ ભાડેસીયા, શ્રી શૈલેષભાઈ પટેલ વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.