ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
અષાઢી બીજ નિમિત્તે યોજાતી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા અમદાવાદની ઓળખ સમાન છે. રાજ્યના લાખો શ્રધ્ધાળુઓના આસ્થાનું પ્રતિક એવા જગન્નાથજી તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્યા માટે નિકળે ત્યારે અમદાવાદ શહેર તેમના દર્શન માટે આતુર બનતું હોય છે. આ વર્ષે પણ આ સમગ્ર યાત્રાનું સુચારૂ આયોજન થાય અને તમામ સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પૂર્વ આયોજનની સમિક્ષા કરાઈ હતી. સમગ્ર રથયાત્રા શાંતિ અને કોમી એકતાના ઉત્તમ ઉદાહરણા રૂપ બની સંપન્ન થઈ હતી. આ સમગ્ર આયોજન એક સંશોધનનો વિષય બની રહેશે તેવું હર્ષ સંઘવી એ જણાવ્યું હતું. રથયાત્રાના શાંતિપૂર્ણ આયોજન અને સુંદર વ્યવસ્થા બદલ પોલીસ વિભાગ અને સુરક્ષા દળોનો સંઘવી એ આભાર વ્યક્ત કર્યો હતો.
વહેલી સવારે કેન્દ્રીય ગૃહામંત્રી અમિતભાઈ શાહ ની હાજરીમાં ભગવાન જગન્નાથજીની મંગલા આરતીમાં પણ સંઘવી હાજર રહ્યા હતા. ત્યાર બાદ યાત્રા પૂર્વે થતી પરંપરાગત પહીંદ વિધિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી તેમાં પણ ગૃહમંત્રી હાજર રહ્યા હતા. રથયાત્રા શરુ થતા પૂર્વે હર્ષ સંઘવીને ભગવાન જગન્નાથજીને તેમના સ્વ હસ્તે રથમાં પધરાવવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
રથયાત્રાની શરૂઆત થયા બાદ ગૃહ મંત્રી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ડેસ્ક બોર્ડ રૂમ ખાતેથી સમગ્ર રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાનું ઓનલાઈન નિરિક્ષણ કર્યું હતું. અને તમામ આયોજન બાબત મુખ્યમંત્રીને અવગત કરાવ્યા હતા.
રથયાત્રા સરસપૂર ભગવાનના મોસાળ પહોંચ્યા બાદ ત્યાંથી પરત મંદીર તરફ પ્રયાણ કર્યું ત્યારે દરીયાપૂર વિસ્તારથી ગૃહ મંત્રી હર્ષ સંઘવી ફરી પગપાળા યાત્રામાં જોડાયા હતા. આ દરમ્યાન શહેર વિસ્તારમાં એક કાચી દિવાલ ધસી પડતાં રથયાત્રાના દર્શન માટે ઉભેલા કેટલાક બાળકો નીચે પટકાયા હતા. ગૃહમંત્રી ઘટના સ્થળે હાજર હોય, સમયસુચકતા દાખવી તમામ બાળકો સુરક્ષિત હોવાની ખાત્રી કરી હતી. તમામ બાળકોને સાંત્વના આપી પોતાની સંવેદનશીલતાનું વધુ એક ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
અમદાવાદના તમામ શહેરીજનો, તમામ ધર્મના આગેવાનો, પોલીસ વિભાગ અને સુરક્ષાના જવાનો અને વ્યવસ્થા સાથે જોડાયેલા તમામા લોકોનો ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ આભાર વ્યક્ત કર્યો હતો. ગૃહ મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આધુનીક ઉપકરણો સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની સાથોસાથ સામાજીક સંવેદનાના ભાગ રૂપે તમામ ધર્મના આગેવાનો સાથે બેઠકો યોજી કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ રથયાત્રા દરમ્યાન પુરૂ પાડ્યું છે. “જય જગન્નાથ” અને “જય રણછોડ માલ્હણ ચોર” ના નાદ સાથે રથયાત્રા સમયસર પૂર્ણ થઈ હતી.
Attachments area