ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર
ભારત પામ ઓઇલનો સૌથી મોટો આયાતકાર દેશ છે, ગત તા.28 એપ્રિલે ઇન્ડોનેશિયાએ પામ ઓઇલની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો હતો, આથી ભારતમાં તમામ પ્રકારના ખાદ્ય તેલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જેની અસરથી મગફળી અને રાયડા સહિતના તેલિબીયા પાકોના ભાવમાં પણ તેજી તરફી માહોલ સર્જાયો હતો. જોકે, ઇન્ડોનેશિયાએ હવે કાચા પામ તેલની નિકાસ ઉપરનો પ્રતિબંધ દુર કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી તા.23 મેના રોજથી નિકાસ ઉપરનો પ્રતિબંધ ઇન્ડોનેશિયા દ્વારા હટાવવામાં આવશે. આથી ભારતમાં કાચા પામ ઓઇલની આયાત ફરી શરૂ થશે. આ અહેવાલ બાદ ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડા તરફી ફેરફાર જોવા મળ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન તેલિબીયા પાકોના ભાવ ઉપર પણ થોડી અસર થઇ શકે છે. હાલ રાજ્યના યાર્ડોમાં મગફળીમાં સરેરાશ રૂ.1100થી રૂ.1325 અને રાયડામાં સરેરાશ 3,1250થી રૂ,1350ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે.