ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમીષાબેન સુથારની ઉપસ્થિતિમાં તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે ‘પી.એમ.જે.એ.વાય.–મા’ યોજનાની તૃતીય ગવર્નિંગ બોડી (જી.બી.એમ)ની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં આ યોજના અંતર્ગત નિયત માપદંડો પ્રમાણે રાજ્યના ૮૦ લાખ કુટુંબો એટલે કે ૪ કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.
મંત્રી પટેલે યોજનાનો લાભ રાજ્યના છેવાડાના નાગરિકો લઈ શકે એ પ્રકારનું આયોજન અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા માર્ગદર્શક સુચનાઓ આપી હતી.
મંત્રી પટેલે જણાવ્યું હતું કે દેશના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી અને વિનામૂલ્યે મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય- આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવી છે.તેનો લાભ પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચાડવા આરોગ્ય તંત્ર પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ થી કાર્યરત મા અને મા વાત્સલ્ય યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમન્વિત કરીને PMJAY-મા યોજના કાર્યરત કરીને રાજ્યમાં યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
રાજ્યની 1878 સરકારી અને 766 જેટલી ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડધારક તબીબી સેવાનો લાભ મેળવી શકે છે. આ તમામ તબીબી સેવા કાર્ડધારકને કેશલેસ અને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં સામાન્ય બિમારી સાથે, અતિ મોંઘી સર્જરી તેમજ કેન્સર, કિડની, હ્રદયરોગ સંબંધિત બિમારીઓનો પણ સમાવેશ થાય છે.
આ યોજના અંતર્ગત નિયત માપદંડો પ્રમાણે રાજ્યના 80 લાખ કુટુંબો અટલે કે 4 કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરવાનો દ્રઢ સંકલ્પ છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે આયુષ્યમાન કાર્ડને રાજ્યના નાગરિકો સુધી પહોંચાડવાની કામગીરીને વેગવંતી બનાવવા “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગાડ્રાઇવની શરૂઆત કરાવી છે. રાજ્યની આશા બહેનો, આંગણવાડી વર્કર્સ, પંચાયતી રાજ સંસ્થાઓના કર્મચારીઓ જેવા પાયાના કાર્યકરો દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે.