બાયો ડીગ્રેડેબલના નામે પ્લાસ્ટિક ધાબડી દઈ લાખોની કમાણી નો કારસો
મેળા સમયે જ ભવનાથમાં પાણીની હજારો બોટલ શંકાસ્પદ.ગિરનાર ઈકોઝોનના કારણે ભવનાથમાં પ્લાસ્ટીક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. પ્લાસ્ટીક પ્રતિબંધની અમલવારી કરવાની જવાબદારી તંત્રની છે. હાલમાં શિવરાત્રીના મેળાના કારણે પ્લાસ્ટીકને બદલે બાયોડિગ્રેડેબલ બોટલમાં પાણી વેંચવાની છુટ આપવામાં આવી છે પરંતુ કંપની દ્વારા તેમાં છેતરપિંડી આચરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કલેક્ટર સહિતનાઓને ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ પણ આ મુદ્દે રજુઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવી.
૩ રૂપીયાવાળા ઢાંકણાના બદલે પ્લાસ્ટીકનું ૩૦ પૈસાવાળુ ઢાંકણું ફીટ કરી ઈકોઝોનના નિયમોનો ભંગ.ભવનાથમાં પ્લાસ્ટીક પ્રતિબંધના કારણે પાણીની બોટલ વેંચવા માટે બોટલ, કેપ્સ, લેબલ પેકેજીંગ સહિતની વસ્તુનું સરકારી પ્રયોગશાળામાં પરિક્ષણ કરાવી પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. જેમાં એફએસએસએઆઈ, સીપીસીબી, જીપીસીબી, સીપેટ ના ટેસ્ટ રિપોર્ટના આધારે એકજ કંપનીના નામે લાયસન્સ હોવા જોઈએ. આ પધ્ધતિ મુજબ બોટલ તૈયાર કરવી પ્લાસ્ટીકની બોટલ કરતા મોંઘી પડે છે. ભવનાથ તળેટી માં હાલ પાણીની જે બોટલ મળી રહી છે તેમાં તંત્ર અને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ બોટલમાં ઢાંકણું પ્લાસ્ટીકનું ધાબડી દેવામાં આવી રહ્યું હોવાની રાવ ઉઠી રહી છે. પ્લાસ્ટીકનું ઢાંકણું ૩૦ પૈસામાં તૈયાર થાય છે અને બાયોડીગ્રેડેબલ ઢાંકણું ૩ રૂપીયામાં તૈયાર થાય છે. ભવનાથ વિસ્તારમાં જે પાણીની બોટલ મળે છે તેમાં ટેક્ષચોરી, એક જ કંપનીના લાયસન્સને બદલે અલગ-અલગ કંપનીના લાયસન્સ અને તેમાં પણ અનેક પ્રકારની વિસંગતતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આમ બાયોડીગ્રેડેબલ બોટલના નામે પ્લાસ્ટીક ધાબડી દેવામાં આવતું હોવાનીઅગાઉ પણ તંત્રના જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરી હતી છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા હવે કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
હાલ શિવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભવનાથ તળેટી વિસ્તારમાં બાયોડીગ્રેડેબલ બોટલના નામે થોડા ઘણા અંશે પ્લાસ્ટીક ધાબડી દઈ લાખો રૂપીયાની કમાણી કરવાનો કારસો રચાયો છે. તાત્કાલીક વહિવટી તંત્ર દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


