ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર.
બે દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા તા.27 મેના રોજ કેરળના દરિયાકિનારે ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યકત થઇ હતી. જોકે, આ બાદ ચોમાસાની ગતિ મંદ પડી છે અને હાલની સ્થિતિએ (તા.27 મે) ચોમાસુ કેરળના દરિયાકિનારાથી 100 કિલોમીટર દુર છે એવુ હવામાન વિભાગે જાહેર કર્યુ છે. આ સ્થિતિમાં આગામી તા.31 મે અથવા એના પહેલા કેરળમાં ચોમાસાનું આગમન થવાની શકયતા રજુ થઇ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અંદમાન નિકોબાર ટાપુઓમાં ચોમાસાનું આગમન દર વર્ષે તા.22 મે આસપાસ થતુ હોય છે, જોકે, આ વર્ષે આ ટાપુઓમાં તા.15 મેના રોજ ચોમાસાનું આગમન થયુ. આથી કેરળમાં પણ નિર્ધારિત સમય કરતા પહેલુ ચોમાસુ બેસસે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત થઇ હતી. આ બાદ અસાની વાવાઝોડાની દિશા બદલાઈ જતા ચોમાસાની ગતિને અસર થઇ છે.
સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનું આગમન થયા એના પછી આપણાં સ્થાનિક હવામા વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસાના આગમન બાબતે કોઈ જાહેરાત થતી હોય છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે, અનેક વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સાથે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે, રાજકોટ સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટા પણ થયા છે.