ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર
ઉત્તર ગુજરાત પાલનપુર નજીક આવેલા ચડોતર અને ખોડલા ગામના પાંચ પશુપાલકો સામે ભેંસોને શંકાસ્પદ ઓક્સિટોક્સિન ઇન્જેક્શન આપવા બાબતે પોલીસ ફરિયાદ થઇ છે. આ બનાવની પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જેઓને સામે ફરિયાદ નોંધાઇ છે એ પાંચેય પશુપાલકો છે, ભેંસોનું દૂધ વધે એ માટે તેઓ ઓક્સિટોક્સિન દવાનું ઇન્જેકશન આપતા હોવાની સ્થાનિક જીવદયા પ્રેમીઓને મળી હતી. આ બાબતે પોલીસને જાણ કરાઇ હતી, જેમાં પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે,
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓક્સિટોક્સિન દવા પશુઓને આપવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, આ દવાના કારણે પશુનું આરોગ્ય જોખમાય છે અને સાથે જ આ દવા લીધેલ પશુઓનું દૂધ પીવાથી લોકોના આરોગ્યને પણ પ્રતિકુળ અસર થાય છે. આ કારણે ઓક્સિટોક્સિન દવાનો પશુઓ ઉપર ઉપયોગ થઇ શકતો નથી. આ દવા આપવાથી પશુઓનું દૂધ વધતુ હોવાની ધારણાના લીધે અમુક પશુપાલકો કાયદાને પર જઇને આવી પ્રવૃતિ કરતા હોવાની ઘટનાઓ બને છે, આ બાબતે પશુપાલન વિભાગ સર્તક રહે એ જરૂરી છે.