વાહનની ટક્કરમાં સિંહણના મોતની ઘટનામાં એન્જિનિયરની ધરપકડ
ન્યુઝડે નેટવર્ક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે રાજુલાના નાગેશ્રી ગામ પાસે ગઈકાલે રાત્રે વધુ એક સિંહણનો ભોગ લેવાયો હતો. આ બનાવમાં અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર રીતે ઘવાયેલી સિંહણનું કરુણ મોત નિપજતા વનવિભાગ હરકતમાં આવ્યું હતું. કોડીનારના વતની અને હાલ ગાંધીનગર ખાતે પોલીસ આવાસ નિગમમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્ર રાઠોડ પોતાની ફોર વ્હીલ કાર લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર સિંહણ આડે ઉતરતા કારની જોરદાર ટક્કર વાગી હતી, જેમાં સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વનવિભાગે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપી વિરેન્દ્ર રાઠોડની ધરપકડ કરી છે અને તેની કાર કબજે લીધી છે.


