ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ.
ઉતરાયણ અંગે વાલીઓને સુચના: વાલીઓ બાળકોને લેવા અને મૂકવા જતાં વાહનમાં આગળ ન બેસાડે, દોરી રક્ષક સળિયો નંખાવે, ગળે મફલર, દુપટ્ટો બાંધે. તાજેતરમાં જ વડોદરામાં ચાઈનીઝ દોરીને લીધે બે લોકોના મૃત્યુ થયા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી, ગુજરાત શાળા સંચાલક મંડળ અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સાથે મળીને બાળકો અને વાલીઓ માટે પણ મહત્વની સૂચનાઓ તૈયાર કરી છે. જે આગામી દિવસોમાં રાજ્યની શાળાઓમાં અમલ કરાશે. જેમાં વાલીઓ બાળકને સ્કૂલે લેવા- મૂકવા આવે ત્યારે બાળકનું ગળુ, આંખ, નાક કવર થાય તે રીતે મફલર અથવા દુપટ્ટો બાંધવો, બાળકને વાહનમાં આગળ ન બેસાડવા સહિત સૂચનો નો સમાવેશ થાય છે. વાહનમાં ગ્લાસનું સેફટી ગાર્ડ અથવા કામ ચલાવ દોરી રક્ષક સળિયો નાંખવો. ઉતરાયણ પહેલા અને પછી એટલે કે આવનારા 10 દિવસ હેલ્મેટ પહેરીને જ નીકળવું. પતંગ ઉડાડતી વખતે પણ બાળકોને આંગળીમાં દોરી લાગે નહીં તે માટે મોંજા અથવા રબર ગાર્ડ પહેરાવું. બાળક પતંગ ચગાવતી વખતે પણ ધાબા નજીક વીજ તારને અડકે નહિં તેનું ખાસ ધ્યાન વાલીઓએ રાખવું. ઉતરાયણ ના પર્વને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉતરાયણ પહેલા અને પછી 10 દિવસ સુધી નાના બાળકોને પતંગની દોરીથી ઈજા ન થાય તેની કાળજી લેવી પડે છે. આ સૂચનો દરેક શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને અપાશે, નોટિસ બોર્ડ ઉપર પણ લગાવાશે, શિક્ષકો વાલીઓને રૂબરૂ સમજાવશે, બાળકોને દોરીથી કઈ રીતે બચાવી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપશે.