“ઠંડી નું જોર યથાવત રહેવાની સંભાવના”

ન્યુઝ ડે નેટવર્ક.
કલ્પના પટેલ,અમદાવાદ.
હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 3 દિવસમાં ઠંડી ફરી 10 ડિગ્રીએ પહોંચવાની આગાહી થઈ રહી છે. લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટી 13 એ પહોંચ્યું હતું. અમદાવાદનું મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા ના કારણે રાજ્યમાં ઠંડા પવનો શરૂ થયા છે. જેની અસરોથી અમદાવાદ સહિત તમામ શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 13 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 થી 5 દિવસો દરમિયાન ઠંડા પવનોનું જોર યથાવત રહેતા અમદાવાદમાં ઠંડીનો પારો હજુ 2 થી 3 ડિગ્રી ગગડવાની શક્યતા છે. દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનથી ઠંડીમાં વધારો થયો હતો. મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન કકડીને 6 થી15.0 ડિગ્રી વચ્ચે અને મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડીને 24 થી 29 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજો ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં 6.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ અને 29.5 ડિગ્રી સાથે વલસાડ સૌથી ગરમ શહેર બન્યું હતું. નલિયા બાદ ડીસા,ગાંધીનગર, કંડલા એરપોર્ટ અને અમરેલીમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં ક્રમશઃ ઠંડીનું પ્રમાણ વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.