ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
કેન્દ્ર સરકારે તા.1 જુલાઇથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક એટલે કે એક વખત જ વાપરી શકાય એવી પ્લાસ્ટીકની તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. પ્લાસ્ટીકના ગ્લાસ, સ્ટ્રો, બોટલ સહિતની હજારો વસ્તુઓ કે જે એક વખત વાપરીને ફેંકી દેવાની હોય છે એના ઉત્પાદન, વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયના કારણે પ્લાસ્ટીકના વિકલ્પ લાકડાની માંગ વધશે.
વાંસમાંથી સ્ટ્રો અને બોટલ તો હાલ બની જ રહી છે. આગામી દિવસોમાં લાકડામાંથી અનેક પ્રકારની વસ્તુઓ બને અને પ્લાસ્ટીકના વિકલ્પ તરીકે લાકડાની વસ્તુઓ માટે નવુ બજાર ઉભુ થાય એવી સંભાવના છે. છેલ્લા ઘણાં મહિનાઓથી લાકડાના ભાવ સતત વધી રહ્યા છે. આથી વિવિધ પ્રકારના લાકડાની ખેતી કરતા ખેડૂતોને આર્થિક લાભ થયો છે. જોકે, નવા ખેડૂતો વૃક્ષોની ખેતી શરૂ કરતા પહેલા એના માર્કેટ અંગે પુરો અભ્યાસ કરીને પછી જ કોઇ નિર્ણય લે એ પણ જરૂરી છે. માત્ર સરકારી સબસીડીના લાલચે કોઇ નિર્ણય ન લેવો જોઇએ. નવી ખેતીમાં આપણને માવજત કરવાનો અને ઉત્પાદન લેવાનો વિશ્વાસ હોય તેમજ એના વેચાણ માટે બજારની સમજણ હોય તો જ એ દિશામાં વિચારવુ જોઇએ.