ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
જુન મહિનો પુરો થવા આવ્યો હોવા છતાં હજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો જુન મહિના દરમિયાન રાજ્યમાં જે વરસાદ નોંધાય છે એ આ વખતે સૌથી ઓછો છે. આપણાં રાજ્યમાં કુલ 251 જેટલા તાલુકાઓ છે એમાંથી અડધા તાલુકાઓમાં તો હજુ આખી સિઝનનો બે ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે. આ કારણે કપાસ અને મગફળીના આગોતરા વાવેતર સામે સંકટ ઉભુ થયુ છે.
રવીવારે દિવસ દરમિયાન રાજ્યના 138 તાલુકાઓમાં વત્તા-ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. ઘણાં વિસ્તારોમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના જામજોધપુર, લાલપુર, રાજકોટ તેમજ ઉત્તર ગુજરાતના વિજાપુર, પ્રાંતિજ, દાંત સહિતના અમુક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ થયો હોવાના સમાચાર છે.