“ચોમાસાએ 10 દિવસ બાદ ગતિ પકડી કોંકણમાં પ્રવેશ”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર .
કોંકણના દરિયા કિનારે શુક્રવારે ચોમાસાનું આગમન થયુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મે મહિનાના છેલ્લા અઠવાડીયામાં કેરળના દરિયા કિનારેથી ભારતમાં પ્રવેશ્યા બાદ ચોમાસાની ગતિ મંદ પડી હતી. જોકે, હવે ચોમાસાએ ગતિ પકડી હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. આગામી તા.15 જૂન સુધીમાં સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, તેમજ મહારાષ્ટ્રના વધુ ભાગો તેમજ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ચોમાસુ આગળ વધશે એવી આશા હવામાન નિષ્ણાતો સેવી રહ્યા છે.

ગુજરાતમાં હજુ ચોમાસાનું વિધિવત આગમન થયુ નથી, જોકે, રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રણેક દિવસ પ્રિ-મોનસુન વરસાદ થઇ રહ્યો છે. શુક્રવારે સૌરાષ્ટ્રના ગોંડલ, લાઠી, કુકાવાવ, બાબરા, પાટડી સહતિના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદ થયાના સમાચાર મળી રહ્યા છે.