ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર .
કેરળના દરિયા કિનારે રવીવાર તા.29 મેના રોજ ચોમાસાનું વિધિવત આગમન થયુ હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજન મહાપાત્રાએ જણાવ્યુ છે. સામાન્ય રીતે તા.1 જુન આસપાસ કેરળમાં ચોમાસાનું આગમન થાય છે, જોકે, આ વખતે ત્રણ દિવસ વહેલા ચોમાસાએ પધરામણી કરી છે, આમ તો મેઘરાજા પધરામણીએ ગત તા.21 મેના રોજ થશે એવી આશા હવામાન વિભાગે વ્યકત કરી હતી. જોકે, અસાની વાવાઝોડાની દિશામાં પરિવર્તન આવતા ચોમાસાની ગતિ મંદ પડી હતી.
કેરળમાં હવામાન વિભાગના 14 જેટલા સ્ટેશન આવેલા છે, જેમાંથી 10 સ્ટેશન ઉપર છેલ્લા 14 કલાકમાં અઢી મીમીથી વધુ વરસાદ નોંધાયો હોવાથી ચોમાસાના આગમનની સ્થિતિ સંતોષકારક છે એવુ હવામાન વિભાગની પ્રેસ રિલીઝમાં જણાવાયુ છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનું આગમન થાય એના બે સપ્તાહમાં ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતી હોય છે. હવે ગુજરાતના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ચોમાસા અંગે આગાહી થાય એવી સંભાવના છે.