ન્યુઝ ડે નેટવર્ક,અમદાવાદ.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે એક મોટો નિર્ણય કર્યો છે.શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ ઉપરાંત કોમ્યુનિટી હોલ ઉપરાંત સામાજીક મેળાવડાના સ્થળોએ તેમજ લગ્ન પ્રસંગમાં કે મ્યુનિ.હોસ્પિટલો અને
શાળાઓ સહિત રીવરફ્રન્ટ તથા કાંકરિયા લેકફ્રન્ટ સહિતના તમામ સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકયો છે.જાહેર સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ના થાય એ માટેની જવાબદારી ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર વતીથી બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં મ્યુનિસિપલ બોર્ડ દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવાની મંજુરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમ અમદાવાદ મ્યુનિસિપલ તંત્રમાં પણ લાગૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.આ કારણથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની તમામ કચેરીઓ ઉપરાંત મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલો,તમામ ૮૦ જેટલા અર્બન હેલ્થ સેન્ટરો તેમજ મ્યુનિસિપલ સિવિક સેન્ટરોમાં સિંગલ યુઝ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની લાયબ્રેરીઓ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ,કોમ્યુનિટી હોલ, ૨૮૬ થી વધુ બગીચાઓ તેમજ રીવરફ્રન્ટ,કાંકરિયા લેકફ્રન્ટ, મ્યુનિસિપલ શાળાઓમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.મ્યુનિ.ના સ્નાનાગારો સહિતના તમામ સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઉપરના પ્રતિબંધને લઈ જાહેર નોટિસ મુકવામાં આવશે.આ તમામ સ્થળોએ આ પ્રકારેના પ્લાસ્ટિકનો વપરાશ ના થાય એ જોવા ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરાઈ છે.