“પ્લાસ્ટિક થી દરિયા કિનારા મુક્ત કરાવવા કમર કસતા યુવાનો “

ન્યુઝ ડે નેટવર્ક.મહુવા.
ક્યારેય નાં નષ્ટ થાય એવું પ્લાસ્ટિક આજે દરેક શહેર ગામ,અને જંગલો માટે મોટું પ્રદૂષણ બની રહ્યું છે.પ્લાસ્ટિક નો કચરો આજે જ્યારે વિશ્વ માટે પડકાર બની રહ્યું છે ત્યારે મહુવાના યુવા વર્ગ દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું.મહુવા તાલુકાના ઉંચા કોટડા ખાતે પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળ તથા ભગતસિંહ યુવા સમિતિ દ્વારા કોટડા બીચ ની સફાઈ કરાઈ હતી.
મહુવા તાલુકાના જાણીતા તીર્થધામ ઉંચા કોટડા ખાતે પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળ તથા ભગતસિંહ યુવા સમિતિ દ્વારા બે દિવસીય બીચ સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 30 જેટલા પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા.
મહુવાનાં ભવાની બીચ ખાતે છેલ્લા દોઢ વર્ષ થી દરિયાઈ જીવસૃષ્ટિ ના સંરક્ષણ ના હેતુ થી ચાલી રહેલ પ્લાસ્ટિક મુકત બીચ અભિયાન અંતર્ગત ઉચાકોટડા ખાતે સફાઇ અભિયાન નું આયોજન કરાયું હતું.
બે દિવસ ના સફાઈ અભિયાન માં પ્લાસ્ટિક ,કાપડ ,પ્લાસ્ટિક ની જાળ વિગેરે વસ્તુઓ સહિત અંદાજે 3 ટન જેટલો કચરો એકઠો કરેલ હતો.
ઉંચા કોટડા મુખ્ય મંદિર ના ટ્રસ્ટી ગણ ,ગામ ના સરપંચ સહિત ના આગેવાનો ની હાજરી માં ગ્રામજનો સાથે એક મિટિંગ કરી પ્લાસ્ટિક થી થતા નુકશાન અંગે સમજ આપી પ્લાસ્ટિક ના ઉપયોગ પર અંકુશ લાવવાના અભિયાન માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. અને આ જ પ્રકારે ભવિષ્ય માં આવા અભિયાન ચલાવવામાં આવશે તેવું સંકલ્પ યુવાઓએ કર્યા હતા.