“ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૨.૦૨ ટકા પરિણામ,ગુજકેટ નું પરિણામ પણ જાહેર”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
શિક્ષણ મંત્રીએ પરિણામ જાહેર સાથે મહત્વની વાતો કહી.૧૦૦ ટકા CCTV કવરેજ સાથે ૧૪૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું.વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યના કુલ ૬૮,૬૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર થયા.રાજ્યમાં સૌથી વધુ ૮૫.૭૮ ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ રહ્યો.રાજ્યમાં સૌથી વધુ ૯૬.૧૨ ટકા સાથે લાઠી કેન્દ્ર પ્રથમ ક્રમાંકે રહ્યો.૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૬૪ શાળાઓ નો સમાવેશ રહ્યો.કુલ પરિણામ માં વિદ્યાર્થિનીઓનું ૭૨.૦૫ ટકા જયારે વિદ્યાર્થીઓનું ૭૨ ટકા પરિણામ રહ્યું હતું.
ગુજકેટ-૨૦૨૨ પરીક્ષામાં ૯૯થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં ૩૮૫ અને B ગ્રુપમાં ૬૮૪ વિદ્યાર્થીઓનો સમાવેશ છે.
માર્ચ-૨૦૨૨માં યોજાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટ એપ્રિલ-૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આજે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગાંધીનગર ખાતેથી જાહેર કરવામાં આવ્યું હતું.
શિક્ષણ મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, આ વર્ષે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું કુલ ૭૨.૦૨ ટકા પરિણામ જાહેર થયું છે. આ પૈકી વિદ્યાર્થિનીઓનું ૭૨.૦૫ ટકા જયારે વિદ્યાર્થીઓનું ૭૨ ટકા પરિણામ આવ્યું છે. આ પ્રસંગે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં ઉતિર્ણ થનાર રાજ્યના તમામ વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવું છું.
મંત્રી એ કહ્યું હતું કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુ. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના માતા-પિતા અને શિક્ષકો પણ ખૂબ મહેનત કરતાં હોય છે. આ સર્વેની સંયુક્ત મહેનત-પરીશ્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થતી હોય છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જીવનની એકમાત્ર અને છેલ્લી પરીક્ષા નથી હતી. તેમાં અસફળ વિદ્યાર્થીઓ પણ જીવનના અન્ય અનેક ક્ષેત્રોમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી હોય એવા અનેક હકારાત્મક ઉદાહરણ આપણી વચ્ચે છે તેમ જણાવી અનઉતિર્ણ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને હતાશ થયા વિના ફરીથી મહેનત કરીને સફળતા મેળવવા મંત્રી એ આ પ્રસંગે અનુરોધ કર્યો હતો.
મંત્રી એ પરિણામની વિગતો આપતાં કહ્યું હતુ કે, ૧૦૦ ટકા CCTV કવરેજ સાથે બોર્ડની પરીક્ષાઓ લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. માર્ચ-૨૦૨૨ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ ૧૪૦ કેન્દ્રો ઉપર ૧,૦૭,૬૬૩ પરીક્ષાર્થી નોંધાયા હતાં. તે પૈકી ૧,૦૬,૩૪૭ પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ ૯૫,૭૧૫ હતા જેમાંથી ૯૫,૩૬૧એ પરીક્ષા આપી હતી. તે પૈકી કુલ ૬૮,૬૮૧ પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યાં છે.
મંત્રી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌથી વધુ ૮૫.૭૮ ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ, જ્યારે સૌથી ઓછું ૪૦.૧૯ ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ ૯૬.૧૨ ટકા સાથે લાઠી કેન્દ્ર પ્રથમ તેમજ સૌથી ઓછું ૩૩.૩૩ ટકા પરિણામ લીમખેડા કેન્દ્રમાં આવ્યું છે. રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૬૪ શાળાઓ જ્યારે ૧૦ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી ૬૧ શાળાઓનો સમાવેશ થાય છે. A1 ગ્રેડ સાથે ૧૯૬ વિદ્યાર્થીઓ જયારે A2 ગ્રેડ સાથે ૩,૩૦૩ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ ઉપરાંત અંગ્રેજી માધ્યમનું ૭૨.૫૭ ટકા જ્યારે ગુજરાતી માધ્યમનું ૭૨.૦૪ ટકા પરિણામ આવ્યું છે તેમ મંત્રી એ ઉમેર્યું હતું.
મંત્રી વાઘાણીએ ગુજકેટ-૨૦૨૨ પરીક્ષાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ૯૯થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં ૩૮૫ અને B ગ્રુપમાં ૬૮૪ વિદ્યાર્થીઓ જ્યારે ૯૮થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં ૭૮૪ અને B ગ્રુપમાં ૧,૩૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે .