ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં દિશા-નિર્દેશાનુસાર રાજ્યના બે લાખથી પણ વધુ શિક્ષક પરિવારને સ્પર્શતો શિક્ષકોની બદલી બાબતનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો. શિક્ષણમંત્રીએ તા.૧૭-ર-ર૦રરના રોજ રાજ્યના હજારો શિક્ષકોના હિતમાં પ્રાથમિક શિક્ષકોની બદલી બાબતે મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયોની જાહેરાત કરી હતી.
શિક્ષણમંત્રીએ જણાવેલ કે, આ નિર્ણય રાજ્યના વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ઐતહાસિક ફેરફાર કરનારો બનશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તા.૧/૪/૨૦૨૨ના રોજ તેનો ઠરાવ પણ પ્રસિધ્ધ કર્યો છે.
તદનુસાર અત્યાર સુધી જે તે જિલ્લામાં ખાલી જગાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો, જે હવે ૧૦૦ ટકા જગા પર જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે. જિલ્લાફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂર કરવામાં આવી. ૧૦(દસ) વર્ષ એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે જે શિક્ષકોને નિમણૂક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે. જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે. પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરાઇ.
જેથી તેની અસર અને ફાયદા રાજ્યના આશરે ૨ લાખ પ્રાથમિક શિક્ષકોને હવે પોતાના પરિવારસાથે પોતાની ઇચ્છિત કે વતનની ગમતી જગ્યાએ નોકરી કરવાનો લાભ થશે. પોતાનાં વયોવૃદ્ધ માતા-પિતા સાથે રહેવાનો અને તેમની સેવાનો લાભ પણ મળશે. અત્યાર સુધી જુદા જુદા સ્થળે રહેવા માટે થતો ખોટો ખર્ચ બચશે. લાંબે ગાળે શિક્ષકની સુખાકારીથી શિક્ષણની ગુણવત્તા અવશ્ય સુધરશે.
“બદલીના કેમ્પ બાબતે શિક્ષણમંત્રીનો મહત્વપુર્ણ નિર્ણય”
રાજ્યની પ્રાથમિક શાળાઓના શિક્ષકોના બદલીનું કેમ્પનું સમયાતરે આયોજન કરવામાં આવે છે. બદલી અંગેના પ્રવર્તમાન નિયમો તથા નામ.હાઇકોર્ટ દ્વારા અલગ અલગ કેસોમાં આપવામાં આવેલ ચુકાદાઓ ધ્યાને લઇને ચાલુ વર્ષના બદલી કેમ્પનું આયોજન હાથ ધરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવેલ છે. વિચારણાને અંતે શિક્ષકોના વિશાળ હિતને ધ્યાનમાં લઇને બદલી કેમ્પ અંગે નીચે મુજબનો નિર્ણય કરવામાં આવેલ છે.
નામ.હાઇકોર્ટ દ્વારા જે કેસોમાં કેસના અરજદારોની સિનિયોરીટી અંગે આદેશો આપવામાં આવેલ છે તે કેસોના પીટીશનરોના કિસ્સામાં ચુકાદામાં જણાવ્યા મુજબ સિનિયોરીટી ગણ્યા બાદ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ નામ.હાઇકોર્ટના ચુકાદા મુજબ વધ-ઘટ કેમ્પ કરતાં પહેલા વિકલ્પ કેમ્પનું આયોજન કરવામાં આવશે અને તે પછી નિયમોનુસાર વધ-ઘટ કેમ્પ તેમજ અન્ય કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આ અંગેની વિગતવાર સૂચના તાત્કાલિક પ્રસિધ્ધ કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. જે અન્વયે વિગતવાર સૂચના શિક્ષણ વિભાગ અને નિયામક,પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા સત્વરે પ્રસિદ્ધ કરવામાં આવશે.
“પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે શિક્ષણ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય”
બદલી અંગેના પ્રવર્તમાન નિયમ તથા નામ.હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ ધ્યાને લઈ શિક્ષકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી બદલી કેમ્પ અંગે મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવેલ છે. નામ.હાઈકોર્ટ દ્વારા જે કેસમાં કેસના અરજદારોની સિનીયોરીટી અંગે આદેશો આપવામાં આવેલ છે તે કેસના પીટીશનરોના કિસ્સામાં ચુકાદામાં જણાવ્યા મુજબ સિનીયોરીટી ગણ્યા બાદ નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નામ.હાઈકોર્ટના ચુકાદા મુજબ વધ-ઘટ કેમ્પ કરતા પહેલા વિકલ્પ કેમ્પનું તા.૦૧/૦૪/૨૦૨૨ નાં ઠરાવમાં દર્શાવેલ નિયમ મુજબ આયોજન કરવામાં આવશે અને તે પછી નિયમાનુસાર વધ ઘટ કેમ્પ, તાલુકા આંતરિક બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે. શિક્ષકોની અરસપરસ બદલી અંગે વતન શબ્દ દૂર કરવામાં આવેલ હોવાથી જે શિક્ષકોને આ નિયમનો લાભ મળવાપાત્ર થાય તેઓ અરજી કરી શકે તે હેતુથી અરજી કરવાની મુદત તા.૩૦/૦૪/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી હતી. આવી અરજીઓ અને તા.૩૧/૧૨/૨૦૨૧ ની સ્થિતિએ કરેલ જિલ્લા ફેરબદલીની અરજીઓ જે તે જિલ્લામાં પહોંચાડવા બાબતે તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ રાજ્ય કક્ષાએ કેમ્પ કરી જે તે અરજીઓ જે તે જિલ્લાને પહોંચાડી દેવામાં આવશે.
જિલ્લા ફેર અરસપરસ બદલીના હુકમો જે અરજીઓ માટે નિયમાનુસાર હશે તે ધ્યાને લઈ તા.૨૦/૦૫/૨૦૨૨ સુધીમાં કરી દેવામાં આવશે. તેમાં શિક્ષકોની ભૌતિક હાજરીની આવશ્યકતા નથી. પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ અંગેની વિગતવાર સૂચના પ્રસિદ્ધ કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્વરે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ બદલી કેમ્પોનું સમયપત્રક જાહેર કરવામાં આવશે. કોર્ટ કેસ કે વહીવટી પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય તો નવા સત્ર શરૂ થતાં પહેલાં બદલી કેમ્પો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની વિચારણા છે.
આ અન્વયે વિકલ્પ કેમ્પ આઠ દિવસે, વધ ઘટ કેમ્પ પંદર દિવસે, આંતરિક બદલી એક માસ, આંતરિક બદલી પૂર્ણ થયેથી નવી ભરતીમાં નિયુક્ત થયેલ વિદ્યાસહાયકોને શાળા પસંદગીની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા ફેરબદલી અને અરસપરસ બદલી સાત દિવસ સુધીનો અંદાજીત સમયગાળો રહેશે.