ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
મુખ્યમંત્રી એ સમાજના નાનામાં નાના સામાન્ય માનવી, ગરીબ વર્ગોની રજૂઆતો પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિવારણ અને છેવાડાના માનવીની સમસ્યાઓ-રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવવા જિલ્લા કલેકટરો અને જિલ્લા અધિકારીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો છે.
રાજ્યના નાગરિકો-જનતાની fariyado- રજુઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સંવાદ-માર્ગદર્શન દ્વારા નિવારણનો આ ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રિવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’ (SWAGAT) સ્વાગત કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાનથી શરૂ કરાવેલો છે.
આ ‘સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી નાગરિકોની ફરિયાદો રજૂઆતો પ્રત્યક્ષ સાંભળે છે.
તદ્દઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ના જનસંપર્ક એકમના સ્વાગત કક્ષમાં રજૂઆત કર્તા અરજદારોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી અને જિલ્લા અધિકારીઓને વિડીયો કોન્ફરન્સીંગથી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.
મુખ્યમંત્રી સમક્ષ રાજ્ય સ્વાગતમાં ૮ રજૂઆતો આવી હતી. આ ઉપરાંત જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ૩૦૬ અને તાલુકા સ્વાગતની ૧૭૦૭ મળી સમગ્રતયા ર૦ર૧ રજૂઆતોનું સુચારૂ નિવારણ લાવી દેવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાજ્ય સ્વાગતમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતાં કહ્યું કે, ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ જ પ્રશ્નો-રજૂઆતોનો ઉકેલ આવી જાય અને રાજ્ય સ્વાગતમાં કોઇ અરજદારે આવવું જ ન પડે તેવી સ્થિતી ઊભી કરવી સૌની સહિયારી જવાબદારી છે.